Sunday, December 13, 2009

ખાલી હતી ઉભરાઈ ગઈ...

ખાલી હતી ઉભરાઈ ગઈ,

અંદરથી હું છલકાઈ ગઈ.




તારા વિરહમાં આમ તો,

કેવી હતી કરમાઈ ગઈ!




અલ્લડ હતી, પણ તેં સજન,

છેડી મને- શરમાઈ ગઈ.




ન્હોતી હસી કોઈ કારણે,

કારણ વિના મલકાઈ ગઈ.




રાખી હતી મોઘમ ખુશી,

પણ આંખમાં ડોકાઈ ગઈ.




કામણ નજરનું તેં કર્યું,

ને હું ફરી ભરમાઈ ગઈ.




વ્હાલમ, હું તારા સ્પર્શથી,

કોરી હતી, અભડાઈ ગઈ!




તું  કર સભર ઊર્મિ, સખા!

ન કહું કદી, ‘મુરઝાઈ ગઈ’!